- હવે કોરોનાની ત્રીજી લહેરને રોકવાના પ્રયત્નો પર ધ્યાન આપવું જોઇએઃ હાઇકોર્ટ
- કોરોનાના કેસો ઘટાડા તરફ હોવાનું કોર્ટનું અવલોકન
- જમીની વાસ્તવિકતાની નિષ્પક્ષતાથી ચકાસણી કરાવવા માગણી
- સરકાર હવે બે ડોઝ વચ્ચેનો સમયગાળો નક્કી કરે : હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આજે કોરોનાની બીજી લહેર અંગેના સુઓમોટોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે અવલોકન કર્યુ હતું કે કોરોનાના કેસો હવે ઘટાડા તરફ આગળ વધી રહ્યા છે તેથી હવે ત્રીજી લહેરની ચિંતા કરી તેને રોકવાના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. કોર્ટે આજે વિવિધ અરજદારોની રજૂઆત સાંભળી વધુ સુનાવણી બીજી જુલાઇના રોજ નિયત કરી છે.
અરજદારો તરફથી આજે રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર કાગળ પર તો રજૂઆત કરી રહી છે કે જિલ્લાસ્તરે અને અંતરિયાળ વિસ્તારોમાં નવાં સ્વાસ્થય કેન્દ્રો ઉભાં કરવામાં આવ્યા છે. આ બાબતની જમીની વાસ્તવિકતા શું છે તેની ચકાસણી થવી જરૃરી છે. વૃદ્ધાશ્રમો, નારી સંરક્ષણ ગૃહો, બાળસુધાર ગૃહ, બાળ સુરક્ષા ગૃહ, અનાથાશ્રણ સહિતના સ્પેશિયલ હોમ્સને રસીકરણમાં પ્રાથમિકતા આપવાનો કોર્ટે આદેશ કર્યો હતો પરંતુ હજુ સુધી આ જગ્યાઓ પર રસીકરણ શરૃ કરવામાં આવ્યું નથી. દિવ્યાંગ બાળકને કોરોના થાય તો તેના કોઇ એક પરિવારજનને સારવારમાં સાથે રહેવાની છૂટ આપી છે. આ સિવાય કોરોનાગ્રસ્ત દિવ્યાંગ બાળકોની સારવાર માટે કોઇ ખાસ આયોજન કે વ્યવસ્થા તૈયાર કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત કોરોનાના કારણે અત્યારે શાળાઓ અને કોલેજો ઓનલાઇન માધ્યમથી ચાલે છે. ઘણાં પરિવારો એવાં છે જેમાં બાળકોના ઓનલાઇન શિક્ષણ માટે લેપટોપ કે મોબાઇલ પરવડી શકે તેમ નથી. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે આગામી દિવસોમાં શાળાઓ ઓનલાઇન માધ્યમથી જ ચાલે છે કે ખૂલે છે તે નિશ્ચિત થાય પછી આ મુદ્દો ધ્યાને લેવો જોઇએ.અરજદારો તરફથી આજે માગણી કરવામાં આવી હતી કે સરકાર રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં વારંવાર ફેરફાર કરે છે. ક્યારેક ચાર મહિના, આઠ મહિના, બાર મહિના અને સોળ મહિના સુધીનો સમયગાળો લંબાવવામાં આવે છે. સરકાર પાસે વેક્સિનનો સ્ટોક ન હોય તો બે ડોઝ વચ્ચેનો સમય વધારી દેવામાં આવે છે. તેથી હવે સરકાર બે ડોઝ વચ્ચેનો સમયગાળો નક્કી કરે તે જરૃરી છે.