પંજાબ કોંગ્રેસનું પ્રમુખ પદ ફરી એકવાર સંભાળશે નવજોત સિદ્ધુ

0
60
  • આખરે માની ગયા નવજોતસિંહ સિદ્ધુ
  • પંજાબ કોંગ્રેસનું પ્રમુખ પદ ફરી સંભાળશે નવજોત સિદ્ધુ
  • બે દિવસ પહેલા આપ્યું હતું પ્રમુખ પદેથી રાજીનામું
  • મુખ્યમંત્રી ચન્ની સાથે વિવાદના પગલે આપ્યું હતું રાજીનામું

પંજાબ કોંગ્રેસમાં ઉભો થયેલ વિખવાદ હવે થોડો શાંત પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે બેઠક બાદ નવજોત સિંહ સિદ્ધુને મનાવવાની ફોર્મ્યુલા બહાર આવી હતી અને તેઓ ફરી પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્ય કરવા માટે તૈયાર થઇ ગયા હોવાના અહેવાલ છે.

બીજીબાજુ  મુખ્યમંત્રી  ચરણજીત ચન્ની દિલ્હી પોહચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધુ બાબતે વિવાદ ઉકેલવાની જવાબદારી પણ ચન્નીને જ સોંપવામાં આવી હતી. ગઇકાલની બેઠક બાદ તેઓ પંજાબમાં પાર્ટીની સ્થિતિ બાબતે હાઇકમાન્ડને રિપોર્ટ આપશે.સુત્રોના જણાવ્યા અનુસાર ફસાયેલી કોંગ્રેસે સિદ્ધુની નારાજગીને દૂર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. તેની ફોર્મ્યુલા એવી છે કે ન તો સિદ્ધુએ નમવું પડે અને ન તો સરકારને. સિદ્ધુ પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાલુ રહેશે અને તેઓ સરકારના મોટા નિર્ણયોમાં સામેલ પણ રહેશે. કોંગ્રેસના એક નેતાના જણાવ્યા  અનુસાર સિદ્ધુએ ડીજીપી ઇકબાલપ્રીત સહોતાને હટાવવાની માંગ કરી હતી. સરકારનું કહેવું છે કે તેમને માત્ર વધારાનો હવાલો આપવામાં આવ્યો છે અને કાગળ પર દિનકર ગુપ્તા એકમાત્ર DGP છે, પરંતુ તેઓ હજુ પણ રજા પર છે. મુખ્યમંત્રી ચરણજીત ચન્ની સાથે સિદ્ધુની મુલાકાત બાદ 10 નામો UPSCને મોકલવામાં આવ્યા છે. ત્યાંથી 3 નામો ફાઇનલ કરવામાં આવશે, તેમાંથી એકને DGP તરીકે નિયુક્ત કરવામાં આવશે.

આ માટે ટૂંક સમયમાં નિર્ણય થાય, આ માટે સરકાર UPSC સાથે સંકલન કરશે. ત્યાં સુધી મુખ્યમંત્રીની સંકલન સમિતિ સિદ્ધુ અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીઘું હતું પણ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સમગ્ર મામલાને રાજ્યનો મામલો ગણાવી દેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો રાજ્યના નવા મુખ્યમંત્રી ચન્નીને ઉકેલવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.