- મધ્યપ્રદેશમાં મહિલા સાથે થયો ગેરવર્તણૂક વ્યવહાર
- ગુનામાં ગર્ભવતી મહિલાના ખભે છોકરો બેસાડીને ત્રણ કિમી ફેરવી
- ગર્ભવતી મહિલાને આખા રસ્તે માર્યા ડંડા-પથ્થર
મધ્યપ્રદેશના ગુનામાં 5 મહિનાની એક ગર્ભવતી મહિલા સાથે ગેરવર્તણૂકનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાનો પતિ તેના બીજા યુવક પાસે મુકીને જતો રહ્યો હતો. તે વાતથી નારાજ મહિલાના સાસરી પક્ષે તેનુ સરઘસ કાઢ્યું હતું. મહિલાના ખભે એક છોકરાને બેસાડીને તેને 3 કિમી સુધી ગંદા રસ્તા પર ઉઘાડા પગે ફેરવી હતી. આખા રસ્તે મહિલનાને ડંડા અને પથ્થરથી મારવામાં આવી હતી.
આ ઘટના 9 ફેબ્રુઆરીની છે પરંતુ સોમવારે એટલે કે 15 ફેબ્રુઆરીએ આ ઘટનાની તસવીરો અને વીડિયો વાઈરલ થઈ હતી. પોલીસે આ કેસમાં કોઈ ચોક્કસ તપાસ કરી નથી. આરોપી સસરા, જેઠ અને દિયર સામે માત્ર મારઝૂડનો કેસ દાખલ કરીને તેમને પોલીસ સ્ટેશનથી જ જામીન આપી દેવામાં આવ્યા છે. આ દરમિયાન મહિલા ગુનાના બાંસખેડી ગામમાં રહેતી હતી. તેણે જણાવ્યું કે, બે મહિના પહેલાં પતિ સીતારામ મને સાંગઈ ગામમાં ડેમાના ઘરે છોડીને ઈન્દોર જતા રહ્યા. જતા સમયે કહ્યું હતું કે, હું હવે તને નહીં રાખી શકુ, તુ ડેમાં સાથે જ રહેજે. 6 ફેબ્રુઆરીએ મારા સસરા ગુનજરિયા વારેલા, જેઠ કુમાર સિંહ, કેપી સિંહ અને રતન આવ્યા અને મને ઘરે આવવા કહ્યું. મેં ના પાડી તો મને મારવા લાગ્યા. ખભા ઉપર ગામના એક છોકરાને બેસાડી દીધો અને મને સાંગાઈથી બાંસખેડી 3 કિમી ઉઘાડા પગે ચલાવી. મારા પેટમાં પાંચ મહિનાનો ગર્ભ છે તેમ છતા સસરા અને જેઠ મને ઘસેડતા રહ્યા. ડંડા, પથ્થર અને ક્રિકેટ બેટથી પગમાં મારતા રહ્યા. આ દરમિયાન મારા પતિનો ફોન પણ આવ્યો. તેણે બધાને મને છોડી દેવાની વાત કરી પણ કોઈએ તેની વાત ન માની. પોલીસે આરોપીઓ સામે કલમ 294 (ગાળો આપવી), કલમ 323 (ધક્કો મારવો, ઝાપટ મારવી), કલમ 506 (મારી નાખવાની ધમકી) અંતર્ગત કેસ નોંધ્યા છે. દરેક કલમો જામીનપાત્ર છે. તેમાં ત્રણ મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજા છે.