- કોરોના કાળમાં એલપીજી સબસિડી ઝીરો થઇ
- રાસાયણિક ખાતરો પર 29.6 ટકાનો થયો ઘટાડો
- સરકારે પેટ્રોલિયમ પેદાશો પર કુલ 20 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી
કોવિડ-19 રોગચાળા દરમિયાન ગત વર્ષ એપ્રિલથી નવેમ્બર દરમિયાન પેટ્રોલિયમ પર આપવામાં આવતી સબસિડીમાં 32 ટકાનો ઘટાડો થયો છે, સંસદમાં શુક્રવારે રજુ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકિય વર્ષ 2020-21 નાં પહેલા 8 મહિનામાં એટલે કે એપ્રિલથી નવેમ્બર વચ્ચે સરકારે પેટ્રોલિયમ પેદાશો પર કુલ 20 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી છે,આ સમયગાળામાં 2019-20 નાં સમયગાળા દરમિયાન આપવામાં આવેલી લગભગ 30 હજાર કરોડ રૂપિયાની સબસિડીની તુલનામાં 32 ટકા ઓછી છે.
દેશમાં મોટા શહેરોમાં પણ સરકારે રસોઇ ગેસ અને કેરોસીન પર આપવામાં આવતી સબસિડીમાં પણ મોટો ઘટાડો કર્યો છે, દિલ્હીમાં તો સબસિડીવાળા અને સબસિડી વગરનાં ગેસ સિલિન્ડરનાં ભાવ સમાન થઇ ગયા છે, આવી જ સ્થિતી દેશનાં અન્ય શહેરોમાં પણ જોવા મળી છે.નાણાકિય વર્ષ 2020-21નાં બજેટમાં પેટ્રોલિયમ પેદાશો પર 41 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું, પરંતું ગત 8 મહિનામાં તેનાથી અડધો પણ ખર્ચ થયો નથી, આ દરમિયાન તમામ પ્રકારની સબસિડીમાં ઘટાડો થયો છે.જ્યારે ખાદ્ય સબસિડીમાં પણ 12 ટકાનો ઘટાડો થયો છે, એપ્રિલ 2019થી નવેમ્બર 2019 દરમિયાન 1.32 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી, જ્યારે એપ્રિલ-નવેમ્બર 2020માં 1.16 કરોડ રૂપિયાની ખાદ્ય સબસિડી આપવામાં આવી. આ સમયગાળા દરમિયાન રાસાયણિક ખાતર પર 22 હજાર કરોડ રૂપિયાથી 29.6 ટકા ઘટીને 16 હજાર કરોડ રૂપિયા રહી ગઇ છે, યુરિયા સબસિડી પણ 51 હજાર કરોડ રૂપિયાથી 1.8 ટકા ઘટીને 50 હજાર કરોડ રૂપિયા રહી ગઇ છે.