મહારાષ્ટ્રમાં શરૂ થયેલા લાઉડ સ્પીકર વિવાદ જાણે કે સમવાનો નામ જ નથી લઈ રહ્યો, નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવીને ફરી ચર્ચામાં છે. તેમણે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો થોડા દિવસ પહેલાં ઉઠાવ્યો હતો, બાદમાં દેશભરમાં તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી, તેમણે પોતાના નવા નિવેદનમાં કહ્યું કે લાઉડસ્પીકરથી બાળકોને તકલીફ ન થવી જોઈએ. જો તે માટે મારા પર કેસ થાય તો પણ વાંધો નથી. તેમણે કહ્યું કે, પહેલાથી મારા વિરુદ્ધ 125 કેસ છે. રાજ ઠાકરેએ કહ્યુ કે, મુસ્લિમ લોકોએ પ્રાર્થના કરવી છે તો પોતાના ઘરોમાં કરે, રસ્તા પર નહીં. તેમણે અલ્ટીમેટમ આપતા કહ્યુ કે, 3 તારીખે ઈદ છે, ત્યાં સુધી લાઉડસ્પીકર ન હટ્યા તો જગ્યાએ-જગ્યાએ હનુમાન ચાલીસા વાગશે.રાજ ઠાકરેએ કહ્યુ કે, ફેસ્ટિવલ એક દિવસનો હોય છે, પૂરા 365 દિવસ ન હોઈ શકે. તેમણે કહ્યું કે તોફાનો નથી જોતા, સારૂ વાતાવરણ જોઈએ. ઠાકરેએ કહ્યું કે મુસ્લિમ ભાઈઓને વિનંતી છે કે તે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નીચે ઉતારે. રાજ ઠાકરેએ બે એપ્રિલે શિવાજી પાર્કમાં ગુડી પડવાની રેલી દરમિયાન કહ્યુ હતુ કે તે મસ્જિદો ઉપરથી લાઉડસ્પીકરથી અઝાનના જવાબમાં હનુમાન ચાલીસા શરૂ કરશું. ત્યારબાદ દેશભરમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.રાજ ઠાકરેએ શરદ પવાર પર નિશાન સાધતા કહ્યુ કે, તેમણે વારંવાર પોતાની ભૂમિકા બદલી છે. તેમણે કહ્યું કે, હિન્દુત્વ વિશે મેં કોઈ પ્રથમ વખત આજે સ્ટેન્ડ લીધુ નથી પરંતુ હંમેશા પોતાની ભૂમિકા બદલનારા શરદ પવાર આજે અમારા પર નિશાન સાધી રહ્યા છે. જ્યારે પાકિસ્તાની કલાકારોનો મુદ્દો આવ્યો હતો ત્યારે સૌથી આગળ અમારૂ મનસે હતું.રાજ ઠાકરેએ કહ્યુ કે જો મહારાષ્ટ્ર શિવાજી મહારાજનું છે તો કેમ શરદ પવાર શિવાજી મહારાજનું નામ લેતા નથી. છત્રપતિ શિવાજી મહારાજનો ધ્વજ પણ ભગવો છે. તેમણે કહ્યું ચૂંટણી પહેલા મરાઠા અનામતને મુદ્દો બનાવ્યો હતો પરંતુ હવે તે ક્યાં ગયો? માત્ર ચૂંટણી માટે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.? હવે આ લોકો ઓબીસીનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે અને પોતાના સ્વાર્થ માટે મહારાષ્ટ્રને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે તેવું મનસે પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું.