- નાણાકીય વર્ષ 2022માં 11% વિકાસની અપેક્ષા
- હેલ્થકેર પર GDPના 3% ખર્ચ કરવાનો લક્ષ્યાંક
- કૃષિ વિકાસદર 4.4% રહેશે, ઈન્ડસ્ટ્રી અને સર્વિસ સેકટરમાં નકારાત્મક વિકાસ
સંસદમાં બજેટ સત્રના પહેલા દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. એમાં દેશની આર્થિક સ્થિતિની વિગતો આપવામાં આવી છે, જ્યારે આર્થિક વિકાસને વેગ આપવાનાં પગલાં પણ સૂચવવામાં આવ્યાં છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટસત્રના પહેલા દિવસે સંસદમાં 2020-21નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. સર્વે અનુસાર કોરોનાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં GDPમાં 7.7 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, પરંતુ આ પછી V-આકાર એટલે કે ઝડપી રિકવરી થશે. તેથી 2021-22માં GDPમાં 11%નો વિકાસ રહેશે. તેમ છતાં અર્થતંત્રને મહામારીના પહેલાંના સ્તરે પહોંચવામાં બે વર્ષનો સમય લાગશે. એપ્રિલથી જૂન 2020 દરમિયાન કોરોનાથી લોકડાઉનને કારણે GDPના કદમાં 23.9%નો ઘટાડો થયો હતો. અનલોક શરૂ થયા પછી પરિસ્થિતિમાં સુધારો થયો તો સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ઘટાડો માત્ર 7.5% રહ્યો. આ રીતે 2020-21ના પહેલા ભાગમાં જીડીપીના કદમાં 15.7%નો ઘટાડો થયો છે. સર્વેનો અંદાજ છે કે બીજા ભાગમાં માત્ર 0.1%નો ઘટાડો થશે. જોકે આ પાછળનું મોટું કારણ સરકારી ખર્ચમાં વધારો થવાનું છે. આ વર્ષે અર્થતંત્ર માટે સૌથી મોટો આધાર એ કૃષિ છે. એનો વિકાસદર 4.4% રહેવાની ધારણા છે. જીડીપીમાં પણ એનો હિસ્સો વધશે. વર્ષ 2019-20માં એ 17.8% હતો, જે આ વર્ષે 19.9% રહેશે. કૃષિ સિવાય અર્થતંત્રનાં બે ક્ષેત્ર ઉદ્યોગ અને સેવાઓ છે. ઉદ્યોગમાં વર્તમાન નાણાકીય વર્ષમાં એ 9.6% ઘટવાની ધારણા છે. સર્વિસ સેકટરની વૃદ્ધિ પણ -8.8% રહેશે.
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો બે મહિનાથી આંદોલન કરી રહ્યા છે, જોકે સર્વેમાં આ કાયદાઓની પ્રશંસા કરવામાં આવી છે. આ અનુસાર નવા કાયદાથી નાના ખેડૂતોને ફાયદો થશે. પ્રોસેસર્સ, હોલસેલર અને મોટા રિટેલરો સાથે વ્યવહાર કરતી વખતે ખેડૂતોને વધુ અધિકારો રહેશે. દેશના કુલ ખેડૂતોમાં 85% નાના ખેડૂત છે. ખેતીની અનિશ્ચિતતાને જોતાં હજી પણ જોખમ ખેડૂતો માટે છે. નવા કાયદાઓથી જોખમ તે લોકો માટે હશે, જેઓ ખેડૂતોની સાથે કોન્ટ્રેક્ટ ખેતીની સમજૂતી કરશે. ખેડૂતો તેમના પાકનો ભાવ નક્કી કરી શકશે. તેમને ત્રણ દિવસમાં એનું પેમેન્ટ પણ મળી જશે. કોન્ટ્રેક્ટ ખેતીમાં નવી ટેકનોલોજી પણ આવશે.સર્વેમાં કહેવામાં આવ્યું છે કે હેલ્થકેર પર સરકારી ખર્ચને જીડીપીના 2.5થી 3% સુધી વધારવો જોઈએ. આ 2017ની નેશનલ હેલ્થ પોલિસીમાં પણ આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આ છતાં એ હજી પણ 1%ની આસપાસ છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને આરોગ્ય માળખાના ખર્ચમાં વધારો થવો જોઈએ. ટેલિમેડિસિનને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે.