- આખરે શહેરમાં શરુ થઇ ધનવંતરી હોસ્પિટલ
- હોસ્પિટલમાં માત્ર 108માં આવતાં દર્દીને જ કરાય છે દાખલ
- ધનવંતરી હોસ્પિટલ બહાર સવારથી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
- ખાનગી વાહનમાં આવતા દર્દીને હોસ્પિટલમાં નથી આપવમ આવતો પ્રવેશ


દિવસેને દિવસે શહેરમાં કોરોનાની સ્થિતિ ઘાતક બની રહી છે. એક તરફ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડયા છે. બેડ ખૂટી પડતા કેન્દ્ર સરકાર તરફથી DRDO દ્વારા અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે 950 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલ ૨૪ તારીખ થી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇ GMDC ખાતે દર્દીઓની લાઈન જોવા મળી હતી. નવા નિયમોની સાથે આખરે 25મી સવારથી 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓને GMDC ખાતે આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી રહ્યા છે.


ધનવંતરી હોસ્પિટલના શરુ થવાની જાહેરાત સાથે નવા નિયમના મામલે DRDO કે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી ન હતી. તેમજ વધુ માહિતી અનુસાર 108 એમ્બ્યુલન્સમાં આવનાર દર્દી સિવાય ખાનગી વાહનો કે રિક્ષામાં લઈને આવતાં દર્દીઓને ધનવંતરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા નથી. ખાનગી વાહનો માં દર્દીઓને લઇ ને આવનાર લોકો સીધા અંદર ન જાય તે માટે હોસ્પિટલની બહાર ગેટ પર મોટો પોલીસ બંદોબસ્ત અને બેરીકેડ ગોઠવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 24 એપ્રિલના રોજ હોસ્પિટલ શરૂ થવાની છે તેવી જાણકારી લોકોને મળતાં શનિવારે હોસ્પિટલ શરૂ થવાની જાહેરાત થઈ હતી. જેને લઇ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 100 જેટલા લોકો દાખલ થવા માટે પૂછપરછ કરવા આવ્યા હતા. જો કે કામ હજી બાકી છે અને 108 મારફતે જ દાખલ કરવામાં આવશે તેમ કહી દર્દીઓ અને પૂછપરછ કરવા આવતા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. સવારથી લોકો પૂછપરછ માટે આવતા પોલીસ ખડકી દેવામાં આવી હતી. ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા અને લોકોને ગેટ પરથી જ રવાના કરી દીધા હતા. ત્યાર બાદ દર્દીઓનો ઘસારો જોવા મળતા આજે નવા નિયમો સાથે દર્દીઓને GMDC ખાતે આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી રહ્યા છે.