- બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ અને ફિલ્મમેકર રાજ કૌશલનું અવસાન
- 49 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે થયું અવસાન
- મંદિરા બેદી અને તેમના ચાહકો માટે ખૂબ જ આઘાતજનક સમાચાર
- ફેબ્રુઆરી 1999ની સાલમાં મંદિરા અને રાજ કૌશલે કર્યા હતા લગ્ન
જાણીતી અભિનેત્રી અને હોસ્ટ મંદિરા બેદીના પતિ અને ફિલ્મ મેકર રાજ કૌશલનું બુધવારે સવારે 49 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મંદિરા બેદી અને તેમના પ્રશંસકો માટે આ સમાચાર ખૂબ જ આઘાત પમાડનારા છે. મંદિરા અને રાજને બે બાળકો છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સ અને ફેન્સ રાજના નિધનને લઈને શોક વ્યક્ત કરી રહ્યા છે.
ફિલ્મ ડિરેક્ટર ઓનિરે રાજના નિધનનું કન્ફર્મેશન આપ્યું હતું. તેમણે એવું લખ્યું હતું કે, ખૂબ જલ્દી ચાલ્યા ગયા. આપણે ફિલ્મમેકર, પ્રોડ્યુસર રાજ કૌશલને આજે સવારે જ ગુમાવી દીધા છે. તેઓ મારી પહેલી ફિલ્મ માય બ્રધર નિખિલના પ્રોડ્યુસર્સ પૈકીના જ એક હતા. એ તમામ લોકો પૈકીના જ એક હતા જેમણે અમારા વિઝન પર વિશ્વાસ રાખી અમને સહકાર આપ્યો હતો. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ આપે. રાજ કૌશલ એ એક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર હતા. તેમને વહેલી સવારે 4:30 વાગ્યે હાર્ટ-અટેક આવ્યો હતો અને હોસ્પિટલ લઈ ગયા એ પહેલાં જ તેમણે ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. રાજ કૌશલ પ્રોડ્યુસર હોવાની સાથે સ્ટંટ ડિરેક્ટર પણ હતો. તેણે કરિયરની શરૂઆત અભિનેતા તરીકે કરી હતી. રાજ કૌશલની આમ એકાએક વિદાયથી બોલિવૂડ સેલેબ્સે શોક પણ વ્યક્ત કર્યો છે. તેમણે કોપી રાઈટર તરીકે જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં ડિરેક્શન ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું. તેમણે એન્થની કૌન હૈ, શાદી કા લડ્ડુ, પ્યાર મેં કભી કભી જેવી ફિલ્મો ડિરેક્ટ કરી હતી. સાથે જ માય બ્રધર.. નિખિલ, શાદી કા લડ્ડુ, પ્યાર મેં કભી કભીને પ્રોડ્યુસ પણ કરી હતી. તેમણે અનેક એડ ફિલ્મો પણ બનાવી હતી. ફેબ્રુઆરી 1999ની સાલમાં મંદિરા અને રાજ કૌશલે લગ્ન કર્યા હતા અને 19 જૂન, 2011ના રોજ મંદિરાએ દીકરા વીરને જન્મ આપ્યો હતો. ગત વર્ષે 2020માં મંદિરા અને રાજે 4 વર્ષની દીકરીને દત્તક લીધી હતી અને તેનું નામ તેઓએ તારા બેદી કૌશલ રાખ્યું હતું.