- મમતા બેનર્જીના ભત્રીજાને થપ્પડ મારનારા ભાજપના નેતાનું થયું અવસાન
- પરિવારે દેવાશીષ આચાર્યની હત્યા થઈ હોવાનો લગાવ્યો આરોપ
- ટીએમસીના કાર્યકરો ભાજપના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા હોવાની ફરિયાદ
પશ્ચિમ બંગાળમાં હિંસાનો વધુ એક મામલો સામે આવ્યો છે. વર્ષ 2015માં એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને લાફો મારનારા ભાજપના નેતાનું અવસાન થયું છે. ભાજપના નેતા દેવાશીષ આચાર્યનું ગુરૂવારે સાંજના સમયે ખૂબ જ રહસ્યમય સંજોગોમાં અવસાન થયું છે અને કુટુંબીજનો દ્વારા હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર કેટલાક અજાણ્યા લોકોએ દેવાશીષ આચાર્યને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને થોડા વખત બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાજપના નેતા દેવાશીષ આચાર્યને મિદનાપુરની તમલુક જિલ્લા હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસનના કહેવા અનુસાર ગુરૂવારે સવારે કેટલાક લોકોએ એક ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં એડમીટ કરાવી હતી. થોડા સમય પછી ડૉક્ટર્સે આ ઘાયલ વ્યક્તિ અંગે પુછપરછ માટે તેમને બોલાવ્યા ત્યારે તેઓ ભાગી ગયા હોવાની જાણ થઈ હતી. આ તરફ ભાજપના નેતાઓએ દેવાશીષ આચાર્યના મૃત્યુને લઈને અનેક સવાલ ઉઠાવ્યા છે. નેતાઓના કહેવા અનુસાર ટીએમસીના કાર્યકરો સતત ભાજપના નેતાઓને ટાર્ગેટ પણ કરી રહ્યા છે પરંતુ મુખ્યમંત્રી આ મુદ્દાને ટાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેવાશીષ આચાર્યે 2015માં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ભરી સભામાં લાફો માર્યો હતો. જોકે ત્યાર બાદ ટીએમસીના સમર્થકોએ તેમની સાથે ખૂબ જ મારપીટ કરી હતી અને પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી પરંતુ અભિષેક બેનર્જીની દખલ બાદ તેમને મુક્ત પણ કરી દેવામાં આવ્યા હતા.