- કોરોનાની મહામારી વચ્ચે લોકો ગંદકી વચ્ચે રહેવા મજબુર
- પાટણ જિલ્લાના સમી ગામમાં જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય
- મીઠા પાણીનો બોર હોવા છતાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે
- સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન
- જીલ્લા ડીડીઓ અમારા વિસ્તારની મુલાકાત કરે : સ્થાનિકો
રાજ્યના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પાણીની અછત વર્તાઈ રહી છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પાટણ જિલ્લાના સમી ગામના લોકો ગંદકી વચ્ચે રહેવા મજબુર બન્યા છે. ગામ પંચાયતના જવાબદાર સરપંચ તલાટીની ઢીલી નીતિને લઈ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણી તથા ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યાને લઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
કોરોનાના કહેર વચ્ચે પાટણ જિલ્લાના સમી ગામમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાને લઈ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકી ઉભરતાની સાથે જ સ્થાનીકોમાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. સમી ગ્રામ પંચાયત તથા પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બનાવેલ ભૂગર્ભ ગટરોની હલકી ગુણવત્તા વાળી કામગીરીને લઈ ભૂગર્ભ ગટરો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. તેમજ વધુમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સમી ગામના વણકર વાસ, ભરવાડ વાસ, વોરા વાસ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગ્રામમાં મીઠા પાણીનો બોર હોવા છતાં ટેન્કર મારફતે પોતાના ખર્ચે ૩૦૦ રૂપિયા આપી પીવાનું પાણી મંગાવવું પડી રહ્યું છે. જેને લઈ અનેક વાર રજુઆત કરવા છતાં ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી સાહેબ લોકોના પ્રશ્નોને વાચા આપવા પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળવાની પણ જહેમત લેતા નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે જ સત્વરે ગામના વિસ્તારો જેવા કે ભરવાડ વાસ, વણકર વાસ, વોરા વાસ, બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરવાની તથા સમયસર પીવાના પાણીની સમસ્યાને લઈ કલેકટર તથા જિલ્લા ડી.ડી.ઓ. તાત્કાલિક ધોરણે સમી ગામની મુલાકાત કરી રિયાલિટી ચેકીંગ કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માગ ઉઠવા પામી છે.