24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અંગ્રેજીના વધતા ક્રેઝ સામે હવે ગુજરાતી શાળાઓનાં પાડવા લાગ્યા પાટિયાં

  • અંગ્રેજીના વધતા ક્રેઝ સામે હવે ગુજરાતી શાળાઓનાં પાડવા લાગ્યા પાટિયાં
  • વિદેશી ભાષાના વળગણ અને કરિયરમાં અંગ્રેજી ભાષાનો છવાયો છે ભારે ક્રેઝ
  • અંગ્રેજી શિક્ષણ આપવાના મોહમાં ભુલાઈ રહ્યું છે ગુજરાતી શિક્ષણ
  • જો આમજ ચાલતું રહેશે તો આવનારા સમયમાં ગુજરાતી સરકારી શાળાઓ રહેશે જ નહીં
  • છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતી શાળા બંધ કરવા કુલ ૪૮ અરજીઓ આવી
  • છેલ્લા ત્રણ વર્ષમાં અંગ્રેજી શાળાઓ શરુ કરવા કુલ ૧૦૧ અરજીઓ આવી

ગુજરાત અને ગુજરાતી વિશ્વના કોઈપણ ખૂણે એક અલગ નામના ધરાવે છે. તે વિશ્વમાં વેપારમાં કાઠું કાઢનાર ઉદ્યોગપતિ હોય કે પછી મહાત્મા ગાંધી, દરેકને પોતાની માતૃભાષા માટે એટલું જ વળગણ હતું, પણ હવે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા પતન તરફ આગળ વધી રહી છે. વિશ્વમાં હાલના સમયમાં અંગ્રેજી ભાષાથી જ સન્માન મળતું હોય એવી માન્યતાએ લાખો વાલીઓ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે તલપાપડ થઈ રહ્યા છે અને બીજી તરફ ગુજરાતી શાળાનાં પાટિયાં પડી રહ્યાં છે. 

આ કોઈ ભ્રામક વાત નથી, પણ વાસ્તવમાં સેંકડો અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થવા માટે અરજીઓ આવી રહી છે એની સામે એનાથી વધુ ગુજરાતી શાળાઓ બંધ થવા માટેની અરજીઓ આવી રહી છે. આ સમગ્ર બાબત આવનારા સમયમાં ગુજરાતી ભાષાને હાંસિયામાં ધકેલી દેશે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે રિલાયન્સના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી, તેઓ ગુજરાતી તરીકે વિશ્વવિખ્યાત બન્યા છે. ત્યારે તેમના ગુજરાતમાં જ ગુજરાતી ભાષા અને ગુજરાતી માધ્યમની શાળા ખતરામાં હોય એવી પ્રતીતિ થઈ રહી છે. એ પણ સરકારી આંકડા જ આ બધી બાબત બતાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળકોના અભ્યાસ માટે સ્થાનિક ભાષાને વધુ મૂલ્ય આપી રહ્યા છે ત્યારે ગુજરાતમાં શિક્ષણજગતમાં ઊંધી પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અંગ્રેજી માધ્યમની શાળાનું પ્રભુત્વ વધ્યું છે, જેની સામે ગુજરાતી શાળાનું મૂલ્ય ઘટ્યું છે. અંગ્રેજી શિક્ષણ આપવાના મોહમાં ગુજરાતી ભાષા ભુલાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 5 વર્ષમાં અમદાવાદમાં અંગ્રેજી શાળા શરૂ કરવા માટે 90 ટકા અરજી આવી રહી છે, જેની સામે ગુજરાતી શાળા બંધ કરવા માટે 90 ટકા અરજી આવી રહી છે. દર વર્ષે 20-25 અરજી અંગ્રેજી શાળાઓ શરૂ કરવા માટે આવે છે, એની સામે 15-20 અરજી ગુજરાતી શાળાઓ બંધ કરવા માટે આવી રહી છે. જે ઝડપે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થાય છે એ ઝડપે ગુજરાતી માધ્યમની શાળા કે વર્ગ બંધ થઈ રહ્યાં છે. અમદાવાદમાં શહેરમાં કુલ 1400 જેટલી શાળાઓ છે. જેમાંથી 540 અંગ્રેજી માધ્યમની, 700 ગુજરાતી માધ્યમની અને 150 હિન્દી માધ્યમની છે. પરંતુ આ આંકડાઓ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યા છે. અંગ્રેજી માધ્યમની શાળાઓનો ગ્રાફ વધી રહ્યો છે અને બીજી તરફ ગુજરાતી માધ્યમની શાળાઓનો ગ્રાફ ઘટી રહ્યો છે. એક તરફ, અંગ્રેજી માધ્યમની શાળા વધી રહી છે ત્યારે સામે ગુજરાતી માધ્યમની શાળા સતત ઘટી રહી છે. જો આ જ પરિસ્થિતિ રહી તો આવનારા સમયમાં ગુજરાતી સરકારી શાળાઓ રહેશે…? એ ચિંતાનો વિષય બન્યો છે…. અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે, પરંતુ સામે લોકો ગુજરાતી ભાષા ભૂલી રહ્યા છે. અત્યારના વાલીઓ અને બાળકોમાં પણ અંગ્રેજી માધ્યમમાં ભણવા ક્રેઝ વધ્યો છે. મધ્યમવર્ગ હોય કે સમૃદ્ધ પરિવાર, તમામ લોકો પોતાના બાળકને હવે અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવા ઈચ્છે છે. સ્કૂલો પણ વધુ સંખ્યામાં હોવાને કારણે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ સરળતાથી મળી રહે છે. આ પ્રકારનો અંગ્રેજી શાળાનો વધતો રહ્યો તો આવનારાં 10 વર્ષમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ખૂબ જ ઓછી જોવા મળશે અને એમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ ઘટી જશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: