- વધતા કોરોનાના સંક્રમણને પગલે ચોટીલા પ્રાંત કચેરી ખાતે બેઠકનું આયોજન
- સાવધાની સાથે સલામતી અને બજારો બંધ રાખવા અંગેની બેઠક યોજાઇ
- ચોટીલાના બજારો સ્વૈચ્છિક બંધ રાખવા અંગે લેવાયો વેપારીઓ દ્વારા નિર્ણય
- આગામી તા.21 થી 30 સુધી તમામ બજારો સ્વૈચ્છિક રખાશે બંધ
રાજ્યભરમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ત્યારે ચોટીલા પ્રાંત કચેરી ખાતે લોકોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા, તથા લોકોની સલામતી અને સાવધાની અંગે રાજકીય પક્ષો સહિત વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તા.21 થી 30 સુધી સતત 10 દિવસ સુધી વેપારીઓએ સ્વૈચ્છીક પોતાના ધંધા રોજગાર બંધ રાખી ચોટીલાની તમામ બજારો રાખવાનો નિર્ણય લીધો હતો.
ચોટીલા સહિત રાજ્યભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા ઉદભવતા ચોટીલા પ્રાંત અધિકારી આર.બી. અંગારીની અધ્યક્ષતા પ્રાંત કચેરી ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મામલતદાર પી.એલ. ગોઠી, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર એન.એસ. ચૌહાણ તેમજ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, નગરપાલિકા પ્રમુખ જયદીપ ખાચર સહિત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તથા ચોટીલાના તમામ વેપારીઓની હાજરીમાં કોરોના વાયરસની મહામારી અંગે ચર્ચા કરી આ મુશ્કેલીમાં લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા ઉદભવતા વેપારીઓએ સ્વૈચ્છીક રીતે આગામી તા.21 ને બુધવાર થી તા.30.4.2021 સુધી શહેરની તમામ બજારો બંધ રાખવા અંગેનો આવકાર દાયક નિર્ણય ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા લેવાયો હતો. જેમાં હોસ્પિટલ, મેડિકલ અને દૂધની દુકાનો રાબેતા મુજબ ખુલ્લી રહેશે તથા શાકભાજીની દુકાનો સવારથી બપોર ના 1 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ માર્કેટિંગ યાર્ડ તા.30.4.2021 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે ડેપ્યુટી કલેકટરે વેપારી મિત્રો તેમજ માર્કેટિંગ યાર્ડના હોદેદારોના આ બંધ રાખવા અંગેના નિર્ણયને વધાવી આભાર વ્યક્ત કર્યો હતો.
વિક્રમસિંહ જાડેજા લાઈવ ગુજરાત ન્યુઝ ચોટીલા