અમદાવાદમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 604 કેસ
શહેરના કુલ 251 સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા
છેલ્લા એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ કેસો સર્જી રહ્યાં છે નવા રેકોર્ડ
* માર્ચ મહિનાની શરૂઆતથી જ શહેરમાં કોરોના બન્યો છે બેફામ
માર્ચ મહિનાની શરૂઆતથી બેફામ બનેલા કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એમાંય અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી નવા કોરોના પોઝિટિવ કેસો નવો રેકોર્ડ સર્જી રહ્યાં છે, ત્યારે શુક્રવારે શહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ 604 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું મરણ નોંધાયું છે.


શુક્રવારે સતત ચોથા દિવસે અમદાવાદમાં કોરોનાના કેસો 500થી વધુ નોંધાયા હોય. આ સાથે શહેરમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 3,488 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાં છે. ગત વર્ષે કોરોના વાઈરસ પીક પર હતો, ત્યારે પણ આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસો નહતા સામે આવતા. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ એટલી ચિંતાજનક છે કે, દર કલાકે 25 કરતાં વધુ લોકો વાઈરસથી સંક્રમિત થઈ રહ્યાં છે. શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે આજે વધુ 26 સોસાયટીઓને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. જેમાં મોટાભાગના કન્ટેનમેન્ટ ઝોન શહેરના નદીપારના વિસ્તારોમાં નોંધાયા છે. અત્યાર સુધી 228 કન્ટેનમેન્ટ ઝોન હતા, જેમાંથી 3 વિસ્તારોને દૂર કરીને નવા 26 વિસ્તારો નવા ઉમેરાયા છે. આ સાથે જ શહેરમાં કન્ટેનમેન્ટ ઝોનનો આંકડો વધીને 251 પર પહોંચી ગયો છે. આ નવા જાહેર કરાયેલા 26 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં AMCના હેલ્થ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. નવા કેસ ઉમેરાવાની સાથે જ અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો આંકડો 65,377 પર પહોંચી ગયો છે. જ્યારે જીવલેણ વાઈરસ શહેરમાં અત્યાર સુધી 2281 શહેરીજનોને ભરખી ચૂક્યો છે. જો કે રાહતની વાત એ રહી કે, આજે 498 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 61,457 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હરેશ ગજ્જર લાઇવ ગુજરાત ન્યુઝ અમદાવાદ